સ્વાદનો ચટાકો: ઉત્તરાયણ પર સુરતીઓ 50 હજાર કિલો ઉંધિયું આરોગશે, એક હજારથી વધુ દુકાનોમાં 300 રૂપિયે કિલો વેચાણ, વિદેશમાં પણ ખૂબ માંગ

ઉત્તરાયણ અને શિયાળામાં વખણાતું ઉંધિયુ હવે બારેમાસ બને છે.

ઉત્તરાયણના તહેવારમાં 80 ટકા સુરતીઓ ઉંઘિયાની મોજ માણે છે.

શાકભાજીઓમાં પણ એકતાનું પ્રતિક બની ગયેલું અસલ સુરતી ઉંધિયું શાક લગભગ છેલ્લા 150 વર્ષથી વિશ્વભરમાં સ્વાદ રસિયાઓના મોઢામાં નામ આવતા જ પાણી લાવી દે છે. સુરતથી વિશ્વભરમાં પ્રચલિત થયેલું ઉંધિયું શિયાળાના માત્ર ચાર મહિનામાં જ લગભગ લાખો લોકોના ભોજનને સ્વાદિષ્ટ કરી દે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં તો 80 ટકા સુરતમાં રહેતા લોકો 50 હજાર કિલો ઉંધિયુ આરોગી જતા હોય એમ કહેવાય છે. એટલું જ નહીં પણ આખા સુરતમાં અસલ સુરતીઓ જ ખાવાના શોખીનોને ઉંધિયાનો સ્વાદ આપવા ઉંધિયું વેચાણ માટે બનાવતા હોય છે.

સુનિલભાઈ નામના ઉંધિયુ બનાવનારે કહ્યું કે, અમે ત્રણ પેઢીથી ઉંધિયાનું શાક બનાવીએ છીએ.

અંગ્રેજોના સમયથી વેચાય છે
સુનિલ (ઉંધિયુ બનાવનાર વેપારી) એ જણાવ્યું હતું કે, ઉંધિયુ બનાવવાની રીત લગભગ 150 વર્ષ જૂની છે. એમ કહીએ તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પણ રસોઈમાં આ વાનગી એટલે કે ઉંધિયુ બનતું અને અંગ્રેજો આંગળીઓ ચાટીને ભોજન કરતા, ઉંધિયુ માત્ર શિયાળાની સિઝન પૂરતું જ નથી રહ્યું. પણ લગ્ન પ્રસંગ સહિતના કેટલાક પૂર્વ આયોજિત પ્રોગ્રામોમાં પણ ઉંધિયાનો સ્વાદ માણવા મળે છે. જેમાં કેટલાક તો આમંત્રણ પત્રિકામાં પણ બપોરનું ભોજન સાથે લઈશું અને ખાવામાં ઉંધિયુ રહેશે એવી નોંધ કરતા હોય છે.

ઉંધિયામાં કતારગામની પાપડી સૌથી પાયાની ભૂમિકા ભજવે છે.

300 રૂપિયા કિલો ઉંધિયુ વેચાય છે
સુરતમાં પતંગ મહોત્સવ એટલે ઉતરાણમાં નાની મોટી 1000 દુકાનોમાં ઉંધિયુ મળે છે. જેમાં કેટલાક હોલસેલ ભાવે લાવીને પણ સુરતના દરિયા કિનારે ગામડાઓ સુધીના લોકોને ઉંધિયું ખવડાવે છે. અસલ સુરતી ઉંધિયુ 60 વર્ષ પહેલા સુરતમાં લગભગ 10-15 રૂપિયા કિલો મળતું હતું. જે આજે 300 રૂપિયા કિલો થઈ ગયું છે. શિયાળામાં ખાસ કરીને નવેમ્બર-ડિસેમબરથી ઉંધિયુની માંગ શરૂ થઈ જાય છે. મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મુંબઇવાસીઓને ઉંધિયાનો સ્વાદ આપવા કેટલાક સુરતીઓ સવારની પહેલી ટ્રેનમાં ઉંધિયાના પાર્સલ મોકલવાની કામગીરી પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *