દહેજમાં ગેસ પાઇપલાઇનનું મેઇન્ટેનન્સ:સમગ્ર ગુજરાતમાં સોમવારે સવારે 5 વાગ્યાથી મંગળવાર સવારે 10 વાગ્યા સુધી LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે; ગૃહિણીઓ, વાહનચાલકો અને ઔદ્યોગિક ગૃહોને હાલાકી

દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી છે.

ઘરના ચૂલા અને ઉદ્યોગગૃહોનું કામકાજ ઠપ્પ
મહત્વનું છે કે ગુજરાતમાં ગેસ પાઇપલાઇનનો વિસ્તાર વધ્યો હોઈ ઘરો, રેસ્ટોરન્ટ અને ઉધોગગૃહમાં પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવા આવે છે. જે તમામ વપરાશકર્તાઓને મોટી તકલીફનો સામનો કરવો પડશે. ખાસ કરીને શહેરની ગૃહિણીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થશે. ઘર અને હોટલ તમામ જગ્યાએ ગેસ સપ્લાય બંધ હોઈ ગેસ પાઇપલાઇન ધરાવતા ઘરોમાં શીતળા સાતમનો માહોલ સર્જાશે. ઠંડુ ભોજન આગળના દિવસે બનાવી રાખવું પડશે.

રાજ્યમાં 21માં પહેલીવાર ગેસ સપ્લાય બંધ રહેશે
ગુજરાતમાં 21 વર્ષમાં પહેલી વખત ગેસ સપ્લાય બંધ રહેવાની આ પ્રકારની સ્થિતિ સર્જાશે. દહેજ ખાતે ગેસ સ્ટેશનમાં મેન્ટનન્સ હોવાથી આ સ્થિતિ સર્જાવાની છે. ગુજરાતની તમામ ગેસ સપ્લાય કંપનીના ડોમેસ્ટિક ,ઈન્ડસ્ટ્રીયલ,કોમર્શિયલ, અને CNG સ્ટેશનોનો સપ્લાય બંધ રહેશે.

કલોલમાં ભેદી ધડાકા થયા હતાં
ગુજરાતના કલોલમાં 2020ના ડિસેમ્બરના અંતમાં ONGC ગેસ લાઈનમાં ભેદી ધડાકો થયો હતો અને એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. ગેસ પાઈપલાઈનમાં ધડાકાનું કારણ જાણી શકાયું નથી પરંતુ જે ઘર નીચેથી પાઈપલાઈન પસાર થતી હતી. જેથી તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા ગેસ પાઈપલાઈન અને અન્ય સ્ટોરેજ સેન્ટરોનું મેઇન્ટેનન્સ કરવાનું જાહેર કરાયુ હોવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *