શ્રદ્ધાંજલિ:ગુજરાતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, સીએમ રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી

  • માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ છે, જે પીએમ મોદી પણ તોડી શક્યા નથી
  • ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા માધવસિંહ સોલંકી
  • ખામ થિયરી અને મધ્યાહન ભોજનનો વિચાર સૌથી પહેલા તેમણે રજૂ કર્યો હતો
  • પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી મુખ્યમંત્રી બન્યા હતા, તેઓ કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *